04/12/2020

Bharat News Agency

The News Agency of India

સાઉથ કોરિયામાં ફ્લુ શોટ્સ લીધા બાદ 13નાં મોતથી કોરોનાની રસી સામે ઉઠ્યા સવાલ

1 min read

કોરોનાની રસી સાથે ફ્લુ શોટ્સ પણ આપવા ઘણા દેશ આયોજન કરી રહ્યા છે, પરંતુ કોરિયામાં સર્જાયેલી સ્થિતિએ તેના પર શંકા ઉભી કરી છે

સિઓલ: દુનિયાભરમાં કોરોનાની વેક્સિનની રાહ જોવાઈ રહી છે. તેની સાથે ફ્લુ શોટ્સ આપવાનું પણ આયોજન થઈ રહ્યું છે. જોકે, સાઉથ કોરિયામાં હાલ એવી સ્થિતિ સર્જાઈ છે, કે જેણે કોરોનાની રસી કેટલી અસરકારક રહેશે તેના પર મોટો સવાલ ઉભો કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સાઉથ કોરિયાના સત્તાવાર આંકડા અનુસાર, હાલના દિવસોમાં ફ્લુ શોટ્સ લીધા બાદ 13 લોકોના મોત થયા છે. દેશના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અનુસાર, 13માંથી છ લોકોના મોતને ફ્લુ શોટ સાથે કંઈ લાગતું-વળગતું ના હોવાનું જાણવા મળ્યું છે. જેથી, હાલ 1.9 કરોડ લોકો જેટલા લોકોને ફ્રીમાં વેક્સિન આપવાનું ચાલુ રખાશે.

કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA)એ દેશની સંસદમાં જણાવ્યું હતું કે મોતનો આંકડો વધી રહ્યો છે, પરંતુ ફ્લુ શોટ્સને કારણે આ મોત થયા હોવાની શક્યતા નહીંવત હોવાનું લાગી રહ્યું છે. સાઉથ કોરિયાએ આ વર્ષે ટ્વીન્ડેમિકની સ્થિતિને નિવારવા ફ્લુની 20 ટકા વધુ રસી ઓર્ડર કરી છે.

શિયાળામાં ફ્લુની સાથે કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા વધી ના જાય તે માટે દેશમાં અત્યારથી તૈયારી શરુ કરી દેવામાં આવી છે. દેશના આરોગ્ય મંત્રી પાર્ક નેઉંગ-હુએ નિ:શુલ્ક વેક્સિનેશન પ્રોગ્રામ ચાલુ રહેશે તેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે લોકોને વેક્સિન અંગે ચિંતા થઈ રહી છે, તે સરકાર સમજી શકે તેવી બાબત છે.

ફ્લુ વેક્સિન લીધા બાદ કેટલાક લોકોના મોતના કારણો શોધવા ઝીણવટપૂર્વક તપાસ કરાશે, અને તેના પ્રોડક્શનથી લઈને ડિસ્ટ્રિબ્યૂશન સહિતની તમામ પ્રોસેસની પણ દરેક વિગતો મેળવવામાં આવશે, તેમ પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

ફ્લુ શોટ્સ લીધા બાદ મોતને ભેટનારા લોકોમાં 13 વર્ષના છોકરાથી લઈને 70 વર્ષના પુરુષનો પણ સમાવેશ થાય છે. 13 ઓક્ટોબરથી સાઉથ કોરિયામાં ટીનેજર્સ અને સિનિયર સિટીઝન્સને રસી આપવાનું શરુ કરાયું છે.

સરકારનું કહેવું છે કે રસીમાં એવું કોઈ ઝેરી તત્વ નથી મળ્યું કે જેનાથી કોઈનું મોત થઈ શકે. આ ઉપરાંત, મોતને ભેટેલા લોકોમાંથી પાંચની તબિયત પહેલાથી જ ખરાબ હતી.

કોરિયાએ શરુ કરેલા વેક્સિનેશન પ્રોગ્રામને તાજેતરમાં જ ત્રણ સપ્તાહ માટે મુલત્વી રખાયો હતો. પચાસ લાખ જેટલા ડોઝને રેફ્રિજરેટરમાં રાખવાને બદલે ટ્રાન્સ્પોર્ટેશન દરમિયાન રુમ ટેમ્પ્રેચરમાં રાખી દેવાયા હોવાનું બહાર આવતા આ નિર્ણય લેવાયો હતો.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 83 લાખ લોકોને અત્યારસુધી ફ્લુ વેક્સિન અપાઈ ચૂકી છે. જેમાંથી 350 જેટલા લોકોને તેનું રિએક્શન આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સાઉથ કોરિયા વર્ષોથી ફ્લુ વેક્સિન પ્રોગ્રામ ચલાવે છે. 2005માં આ વેક્સિન લીધા બાદ 6 લોકોના મોત થયા હતા. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ વખતે રસી લેનારા લોકોની સંખ્યા ઘણી વધારે હોવાથી પાછલા વર્ષો સાથે તેની સરખામણી કરી શકાય તેમ નથી.

ફ્લુ શોટ્સ સામાન્ય રીતે સીઝનલ ફ્લુ સામે રક્ષણ આપે છે. જોકે, ભારત જેવા દેશોમાં સરકાર આવો કોઈ રસીકરણ પ્રોગ્રામ નથી ચલાવતી. પરંતુ સરકાર કોરોનાની વેક્સિન માટે જે આયોજન કરી રહી છે તેમાં ફ્લુ શોટ્સ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.