30/09/2020

Bharat News Agency

The News Agency of India

અનલોક 3.0: સ્કૂલથી લઈને થિયેટરો, ઈન્ટરનેશનલ ફ્લાઈટ ચાલુ કરવાની ડિમાન્ડ

1 min read

નવી દિલ્હી: ઉદ્યોગજગતે પહેલી ઓગસ્ટથી અનલોક 3.0માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ, ટૂરિઝમ, થિયેટર, લાઇવ ઇવેન્ટ, સ્પોર્ટ અને સ્કૂલો વગેરે માટેના પ્રતિબંધો હળવા કરવાની માંગણી કરી છે. તેમણે બે દેશો વચ્ચે ‘સેફ કોરિડોર’ રાખવાથી લઈને મૂવીના ટાઇમિંગમાં પણ બે ફિલ્મો વચ્ચે ગેપ રાખવાની ભલામણ કરી છે જેથી થિયેટરોમાં ભીડ ન થાય, એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)એ સોમવારે જણાવ્યું હતું.

રોગચાળાના લીધે સૌથી વધારે અસર પામનારા સેક્ટરમાં ઉડ્ડયન, પ્રવાસન અને સ્પોર્ટ્સ સામેલ છે. તેમને લોકડાઉનના પ્રતિબંધોમાંથી પૂર્ણપણે રાહત મળી નથી. આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર પ્રતિબંધ દૂર કરવા અંગે સૂચન કરવામાં આવ્યાં છે કે એરપોર્ટ્સ વચ્ચે સેફ્ટી કોરિડોર સ્થાપવામાં આવે, જેમાં જે દેશમાં ભારતીયોને આવવાની છૂટ હોય તે દેશના પ્રવાસીઓને ભારતમાં પ્રવેશની છૂટ આપવી જોઈએ. આના લીધે ક્વોરન્ટાઇન પ્રોટોકોલ વધારે સ્ટાન્ડર્ડાઇઝ થશે અને નિયત પરીક્ષણ કેન્દ્રો પાસેથી મળતા કોવિડ-19 નેગેટિવ પ્રમાણપત્રોની જરૂરિયાતોમાં ક્વોરન્ટાઇનને માફી મળશે.

પ્રવાસન અને હોસ્પિટાલિટી સેક્ટરની સ્થિતિ ઘણી ખરાબ છે ત્યારે અસરકારક માર્કેટિંગ અભિયાન દ્વારા સલામતીનાં ધારાધોરણો પર કંપનીઓ અને સરકાર બંને ભાર મૂકી પ્રવાસીઓમાં વિશ્વાસ પુન: સ્થાપિત કરી શકે છે, એમ અહેવાલે જણાવ્યું હતું. તેની સાથે રાજ્યો, સ્મારકો અને અન્ય પ્રવાસી સ્થળો ખોલવાની સ્પષ્ટ તારીખ આપવી જોઈએ જેથી સાતત્યતા જળવાય અને આ રીતે ઉદ્યોગને મૂડીપ્રવાહ માટે તૈયાર કરી શકાય, એમ તેણે જણાવ્યું હતું.

લાઇવ સ્પોર્ટ્સની રીતે જોઈએ તો અહેવાલ સૂચવે છે કે વિવિધ રમતોને જોખમના સથવારે અને ફિઝિકલ કોન્ટેક્ટના સથવારે મૂલવવી જોઈએ. ક્રિકેટ, બેડમિંટન અને ટ્રેક ઇવેન્ટ જેવી રમતોમાં ફિઝિકલ કોન્ટેક્ટનું એટલે કે શારીરિક સંપર્કનું કોઈ જોખમ હોતું નથી અને સ્પર્ધાઓ બેઠકો વચ્ચે ગેપ રાખી 50 ટકા ક્ષમતાની સાથે તકેદારી રાખી યોજવી જોઈએ, એમ તેણે જણાવ્યું હતું.

તેવી જ રીતે સિનેમા હોલ્સ અને ઓડિટોરિયમોમાં પણ બેઠકો વચ્ચે ગેપ રાખવો જોઈએ અને નિયમિત રીતે આ જગ્યાઓને સેનિટાઇઝ કરવી જોઈએ. તેની સાથે ટિકિટો માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવું જોઈએ એમ તેણે સૂચવ્યું હતું. લર્નિંગના લાંબા ગેપના લીધે પડેલી અસરોને સ્વીકારતા અહેવાલે શાળાઓને ફરીથી શરૂ કરવા માટેની સર્વગ્રાહી માર્ગદર્શિકાઓ સૂચવી છે. તેમાં તબક્કાવાર હાજરી, વિદ્યાર્થીઓ વચ્ચે સ્ટેશનરી શેરિંગ ટાળવું અને હાજર ન રહી શકનારા વિદ્યાર્થીઓને ક્લાસિસનું રેકોર્ડિંગ પૂરું પાડવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.